Skip to main content

આપ સૌને પરમ શાંતિ મળે એ મારો ધર્મ છે

આપ સૌને પરમ શાંતિ મળે એ મારો ધર્મ છે. વિશ્વના તમામ ધર્મ અને સંપ્રદાયના મહાન પુરુષોને પ્રાર્થના કરું છું કે - આપ સૌ ગેબી મહામંત્ર "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" ને ચકાસો. હું કોઈ સિધ્ધ-સંત નથી. સિધ્ધોનું બાળક છું. નાના બાળકને કોઈ હીરો જડે તો તેના નશીબ સાથે તેના કુટુંબના નશીબ જોડાયેલા હોય છે. બિનસાંપ્રદાયિક "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" ની સાધનાથી આપને આપના ધર્મ-સંપ્રદાય અનુરૂપ જ અનુભૂતિ થતી હોય તો આપના ગુરુમંત્ર-ઈષ્ટમંત્ર સાથે આ સર્વ સાંપ્રદાયિક મહામંત્રનો જાપ કરવામાં શું વાંધો છે ? નદી એક જ છે, ઘાટ અલગ અલગ છે, પાણી એક જ છે, વાસણ અલગ અલગ છે. અરે ! સોનું એક જ છે દાગીના અલગ અલગ છે.

એક સોનીનો ધંધો ચાલે નહીં. ઘણા જ્યોતિષ-ભુવા-તાંત્રિક-માંત્રિક પાસે ગયો. મૂળ ધંધો ઘટી ગયો અને પરેશાનીનો પાર નહિ. સંતો પથદર્શક હોય છે. ગુરુ મહારાજે સલાહ આપી કે - તારી પાસે જે કંઈ સોનું છે તેમાંથી શ્રીરામની મૂર્તિ બનાવ કારણ કે રામ નવમી નજીક આવે છે. માત્ર સલાહ ન હતી સાથે આશીર્વાદ હતા તેથી અડધાથી વધારે રામ મૂર્તિ વેચાઈ ગઈ. ખુશ થયો .. ગુરુ મહારાજે જણાવ્યું કે, ‘જન્માષ્ટમી નજીક છે તેથી શ્રીકૃષ્ણની મૂર્તિ તૈયાર કર.’ શ્રીકૃષ્ણ, ગણપતિ, હનુમાન, જગદંબા વગેરેની મૂર્તિઓ બનાવવા લાગ્યો. છ-સાત માસમાં તો તે સોની સોની બજારમાં સોનાની જેમ ચમકવા લાગ્યો. ગુરુદેવને વંદન કરતા કહ્યું કે “આપની કૃપાથી મને તો અદ્ભુત જ્ઞાન થયું. ધંધો તો જોરદાર ચાલ્યો પણ સાથે સમજ આવી કે - ધર્મ-સંપ્રદાયના ઝઘડા બેકાર છે. પરમાત્મા એક અને ઝઘડવાવાળા હજાર, મૂળ તત્ત્વ તો સોનું. તેમ મૂળમાં ગુરુ તત્ત્વ છે. ગુરુદેવ, આપની જય જયકાર હો”.



~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



MahaMantra Dattatrey Punitachariji Dharma Sampraday Spontaneous Meditation